અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, દોષનો ટોપલો WHO પર ઢોળી ટ્રમ્પે કરી મોટી કાર્યવાહી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર ચીનનો પક્ષ ખેંચવાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસ્થાને અપાતું ફંડ રોકવાની જાહેરાત કરી છે.
વોશિંગ્ટન: વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) પર ચીનનો પક્ષ ખેંચવાનો આરોપ લગાવીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે સંસ્થાને અપાતું ફંડ રોકવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે WHOએ ચીનમાં ફેલાયેલા કોવિડ-19ની ગંભીરતાને છૂપાવી અને ત્યારબાદ તે સમગ્ર દુનિયામાં ફેલાયો. ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે તેઓ પોતાના પ્રશાસનને ફંડિગ રોકવાનો આદેશ આપી રહ્યાં છે. હકીકતમાં અમેરિકામાં સતત કોવિડ 19થી હાહાકાર મચી રહ્યો છે. અત્યંત કથળેલી સ્થિતિને કાબુમાં ન લઈ શકવા બદલ ટ્રમ્પની ખુબ ટીકા પણ થઈ રહી છે.
ટ્રમ્પના જણાવ્યાં મુજબ WHOએ આ મહામારીને લઈને પારદર્શકતા રાખી નથી અને યુએનની સંસ્થાને સૌથી વધુ ફંડ આપનારું અમેરિકા હવે તેના પર વિચાર કરશે કે આ સંગઠનને અપાતા પૈસાનું હવે શું કરવામાં આવે. અમેરિકાએ ગત વર્ષ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને 400 મિલિયન ડોલર આપ્યા હતાં. હાલમાં જ WHOના ડાઈરેક્ટર જનરલ ટેડ્રોસ અદહાનોમ ગેબ્રેયેસસે કહ્યું હતું કે કોવિડ 19 મુદ્દાને રાજકીય રંગ આપવાથી માત્ર મોતનો આંકડો જ વધશે.
ટ્રમ્પના કહેવા મુજબ WHOએ પોતાની ફરજ ન નિભાવી
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે WHO કોરોનાના પ્રકોપમાં પોતાની પ્રાથમિક ફરજ પૂરી કરવામાં નિષ્ફળ ગયું. તેમણે આરોપ લગાવ્યો કે ચીનમાં જ્યારે આ વાયરસ ફેલાયો તો યુએન સંસ્થાએ તેને છૂપાવવાનો પ્રયત્ન કર્યો. આ માટે તેને જવાબદાર ઠેરવવી જોઈએ. આ અગાઉ પણ ટ્રમ્પે WHO પર ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો હતો.
પોતાના જ દેશમાં ઘેરાયા ટ્રમ્પ
કોરોનાના કારણે અમેરિકાની હાલત ખરાબ છે. દુનિયામાં સૌથી વધુ કોરોના પીડિત લોકો અમેરિકામાં છે. અમેરિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા 6 લાખ જેટલી થઈ છે જ્યારે 25 હજારથી વધુ લોકોના મોત થયા છે. આવામાં ટ્રમ્પ પોતાના દેશમાં કોરોના ફેલાતો અટકાવવાને લઈને નિષ્ફળતા પર ઘેરાયેલા છે તથા તેમની સતત આકરી ટીકા થઈ રહી છે. કહેવાય છેકે તેમણે WHOને આ હાલાત માટે જવાબદાર ઠેરવીને પોતાનો બચાવ કરવાની કોશિશ કરી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube